અડધો ડઝન પડોશી દેશોને સ્પર્શતી ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ કુલ ૧૫,૧૨૦ કિલોમીટર લાંબી છે--અને ભારતની પ્રજાના દુર્ભાગ્યે છ પૈકી એક પણ સરહદ એવી નથી કે જ્યાં પડોશી રાષ્ટ્ર દ્વારા એક યા બીજી રીતે કનડગત થતી ન હોય.
- કુલ ૪,૦૯૬ કિલોમીટર લાંબી ભારત-બાંગલા દેશ સીમા પૂર્વીય રાજ્યો માટે વર્ષો થયે સિરદર્દ બની છે, કેમ કે તે સરહદ મારફત વર્ષેદહાડે લાખો બાંગલાદેશી લોકોનાં ધાડાં ગેરકાનૂની રીતે ઘૂસણખોરી કરી રહ્યાં છે.
- ભારત-ચીનની ૩,૪૮૮ કિલોમીટર સુધી ફેલાતી સરહદરેખા પર ચીનની વધતી જતી લશ્કરી હિલચાલ જોતાં નજીકના ભવિષ્યમાં તે સરહદ યુદ્ધભૂમિ બને તો કહેવાય નહિ. અરુણાચલ પ્રદેશ, સિક્કિમ,હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોના માથે ચીની ડ્રેગનનું આક્રમણ તોળાઇ રહ્યું છે.
- નેપાળ તો ભારત સાથેની ૧,૭૫૧ કિલોમીટર લાંબી સીમારેખાને વર્ષોથી ગેરવાજબી ઠરાવતું આવ્યું છે. સરહદમાં ૬૦ સ્થળોએ તેણે સુધારા સૂચવ્યા છે, જેને લઇને અમુક નેપાળી સંગઠનો ભારત સામે ગેરિલા યુદ્ધે ચડ્યા છે. નેપાળી માઓવાદીઓનું બિહારમાં તેમજ ઉત્તર પ્રેદેશમાં ઘૂસી આવી ત્યાં જાનમાલને નુકસાન પહોંચાડવું હવે આમ વાત છે.
- ભાગલા વખતે આંકવામાં આવેલી ૩,૩૨૩ કિલોમીટર લાંબી ભારતપાક સીમારેખાની વાત કરો તો તેણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીર એમ ચાર રાજ્યોના સરહદી વિસ્તારોને લશ્કરી છાવણીમાં ફેરવી દીધા છે. આ લાંબી સીમારેખાએ અત્યાર સુધી ચાર ભીષણ યુદ્ધો જોયાં છેઅને હજી ત્યાં વખતોવખત છમકલાં થતાં રહે છે.
પાકિસ્તાન સાથેની સૌથી વધુ તંગ સરહદ હોય તો કાશ્મીરની કે જ્યાં ૭૪૦ કિલોમીટર લાંબી Line Of Control/અંકુશરેખા પસાર થાય છે. પાક પ્રેરિત આતંકવાદે તેને બારમાસી યુદ્ધભૂમિમાં ફેરવી દીધી છે પરિણામે ભારત માટે તે શૂળ સાબિત થઇ છે. ટ્રેજડિ તો એ વાતે છે શૂળનું દરદ ખુદ ભારતે ઊભું કર્યું છે. શી રીતે તે જુઓ--
આઝાદી પછી ઓક્ટોબર ૨૪, ૧૯૪૭ ના રોજ પાકિસ્તાને ભારત પર આક્રમણ કરી જમ્મુ-કાશ્મીરનો પશ્ચિમી તથા ઉત્તરી પ્રદેશ પચાવી પાડ્યો. ભારતીય જવાનો પાક હુમલાખોરોને મારી હટાવવા વીરતાપૂર્વક લડ્યા અને ગુમાવેલો પ્રદેશ ફરી હસ્તગત કરવા લાગ્યા. સમગ્ર રાજ્ય જો કે મુક્ત થાય એ પહેલાં જવાહરલાલ નેહરુએ યુનોના ઠરાવ નં. ૧૩ મુજબ જાન્યુઆરી ૧, ૧૯૪૯ ની મધરાતે અમલી બનતો યુદ્ધવિરામ સ્વીકારી લીધો. આ પગલું અવિચારી હતું, કેમ કે જમ્મુ-કાશ્મીરનો ૩૭% પ્રદેશ હજી પાક કબજામાં હતો અને યુદ્ધવિરામ વળી એવે વખતે જાહેર કરાયો કે જ્યારે પાક હુમલાખોરો પીછેહઠ કરી રહ્યા હતા. આમ, નેહરુની અક્ષમ્ય ભૂલે Line Of Ceasefire/યુદ્ધવિરામ રેખાને જન્મ આપ્યો. વખત જતાં તે Line Of Control તરીકે ઓળખાવાની હતી.
૧૯૪૮માં નક્કી થયેલી યુદ્ધવિરામ રેખા અસ્પષ્ટ હતી. જમ્મુ-કાશ્મીરના નકશામાં તેને સ્પષ્ટ રીતે આંકવા માટે ૧૯૭૧ ના યુદ્ધ પછી ભારતીય અને પાકિસ્તાની સૈન્યના અફસરો રૂબરૂ મળ્યા. ભૂપૃષ્ઠ બતાવતા નકશામાં પર્વતો,નદીનાળાં, ખીણો, હિમસરિતાઓ, ગામડાં વગેરેના સ્થાનનો અક્ષાંશરેખાંશ મુજબ સંદર્ભ પકડી તેમણે Line Of Control/અંકુશરેખા દોરી. જમ્મુકાશ્મીરના ભૂપૃષ્ઠ પર અંકુશરેખા બતાવતા મોટા કદના ૨૭ નકશા બનાવ્યા, જેમને યોગ્ય ક્રમમાં જોડ્યા પછી એક સંપૂર્ણ નકશો તૈયાર થતો હતો. પૂર્વમાં સંગમથી પશ્ચિમમાં સિયાચીન પાસે Point NJ-9842 નામના શિખર સુધીની ૭૪૦ કિલોમીટર લાંબી LoC આંકેલા તે નકશાની બે નકલો બની. એક નકલ ભારતે તો બીજી પાકિસ્તાને રાખી. વાસ્તવમાં તો ડિસેમ્બર ૧૭, ૧૯૭૧ના રોજ ભારત-પાક યુદ્ધ પૂરું થયાના દિવસે બન્ને લશ્કરોના અંકુશ હેઠળનો પ્રદેશ બતાવતી તે રેખા હતી, જેનાં ભૌગોલિક પાસાં વ્યૂહાત્મક રીતે ભારત માટે પ્રતિકૂળ હતાં. પુંચ, તિથવાલ, ઝોજીલા, બટાલિક, દ્રાસ, કારગિલ અને સિયાચીન એમ દરેક મહત્ત્વપૂર્ણ પ્રદેશમાં તે શિખરોની ટોચે પસાર થતી હતી. આથી જતે દહાડે પાછું યુદ્ધ થાય તો ખીણના લેવલે રહીને ભારતીય જવાનોને પર્વતીય ટોચ પરના દુશ્મન સૈન્યની ગોલંદાજી સામે લડવાનું ફાવે નહિ. ૧૯૭૧માં ભારત વિજયી બન્યું હોવા છતાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ આપણા જવાનોને માફક આવતી LoC ન અંકાવી. આ ભૂલનાં માઠાં ફળ ભારતે ૧૯૯૯ના કારગિલ યુદ્ધ વખતે ભોગવવાં પડ્યાં.
ભારતે ભૂતકાળમાં કરેલી ભૂલોને કારણે LoC પરમેનન્ટ પ્રોબ્લેમ બન્યો છે, જેનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. રાજકીય ટેબલ પર તેનો ઉકેલ કદી આવવાનો પણ નથી--અને છતાં આપણી સરકાર શાંતિમંત્રણાઓ કર્યે રાખે છે. દરમ્યાન LoC પર પાક સૈનિકો-આતંકવાદીઓ દ્વારા ભારતીય જવાનોની આહૂતિ લેવાઇ રહી છે. કાશ્મીરમાં મેંધાર ખાતેની અંકુશરેખાએ ફરજ બજાવતા ભારતીય ખુશ્કીદળના લાન્સ નાયક હેમરાજ તથા લાન્સ નાયક સુધાકર સિંહની પાક સૈનિકો દ્વારા ગયે મહિને કરાયેલી બર્બરતાભરી હત્યા તેનો તાજો દાખલો છે.
No comments:
Post a Comment