ફેબ્રઆરી, ૨૦૦૨માં સાબરમતી એક્સ્પ્રેસના ડબ્બામાં બનેલી ઘટનાને સદંતર બાયપાસ કરીને માત્ર કોમી રમખાણોને ફોકસમાં રખાયેલા ગોધરા કાંડનું પોસ્ટ મોર્ટમ ફરી વખત હાથ ધરાયું છે. પ્રિન્ટ મીડિયાને છાપાની કોલમો ભરવાનો અને વિઝ્યુઅલ મીડિયાને એકના એક ક્લિપિંગ ફરી ફરીને બતાડવાનો, સેક્યુલારિસ્ટોને ભેગા કરીને ટોક શો યોજવાનો અને ટી.આર.પી. રેટિંગ વધારવાનો સરસ મોકો મળ્યો છે.
કેટલાંક દિવસ પહેલાં એક પત્રકારે યુ.પી.એ. સરકારના ગૃહ મંત્રી પર જોડો ફેંકીને ભુલાઇ ગયેલા એન્ટિ-શીખ રમખાણોની યાદ અપાવી. પરંતુ ભલું થાય આપણા મીડિયાનું કે તેના પ્રતાપે પેલો પત્રકાર રાતોરાત હીરો બની ગયો, પરંતુ બીજી તરફ પચ્ચીસ વર્ષે બહાર આવેલો ૧૯૮૪ના એન્ટિ-શીખ રમખાણોનો મુદ્દો બાજુએ રહી ગયો. ખરેખર તો એ રમખાણોને આજની પેઢી સમક્ષ ખૂલ્લા પાડવાની જરૂર હતી, પણ આપણા પત્રકારો ફરજ ચૂક્યા. સજ્જનકુમાર અને જગદીશ ટાઇટલરની ટીકિટો કાપીને કોંગ્રેસને ટાઢે પાણીએ ખસ ગયાનો સંતોષ માન્યો અને વાત ત્યાં જ પૂરી થઇ ગઇ.
ગોધરા કાંડને બહેલાવી, ચગાવી અને ચઢાવીને પ્રસ્તુત કરતા મીડિયાએ કેમ ૧૯૮૪ના એન્ટિ-શીખ રમખાણોને ફરી વખત પ્રકાશમાં લાવવાનું જરૂરી ન સમજ્યું? એક શક્યતા એવી હોઇ શકે કે સેક્યુલારિસ્ટ મીડિયાને શીખોમાં દિલચસ્પી નથી. હિન્દુ-મુસ્લિમને લગતા મુદ્દા તેમને વધુ ‘સેલેબલ’ અને સનસનીખેજ લાગે છે. પરિણામે ૧૯૮૪માં કોંગ્રેસ સરકારે બેફામપણે ત્રણેક હજાર શીખોને રહેંસી નાખ્યા એ ઘટનાને તેઓ ગોધરાકાંડની સાપેક્ષમાં મૂલવે છે--અને ત્યારે પ્રયોરિટીનું પલ્લું ગોધરાકાંડ તરફ ઝૂકે છે. હ્યુમન રાઇટ્સના ઝંડા લહેરાવતા બુદ્ધિજીવીઓએ પણ ૧૯૮૪ના રમખાણોનો ભોગ બનેલા શીખોના પરિવારોને યોગ્ય ન્યાય અપાવવા માટે કશું કર્યું નહિ. કેન્દ્રમાં સરકાર કોંગ્રેસની હતી, એટલે તેની પાસે તો શી અપેક્ષા રાખી શકાય?
સેક્યુલારિઝમ યાને કે બિનસાંપ્રદાયિકતા શબ્દ આજકાલ એટલો ચગ્યો છે કે લગભગ ૮પ ટકા હિન્દુ વસ્તી ધરાવતા દેશમાં હિન્દુ તરીકે પોતાની ઓળખાણ આપવામાં શરમ, સંકોચ અને નીચાજોણું અનુભવતા હિન્દુઓનો આપણે ત્યાં તોટો નથી. હિન્દુ હોવા છતાં સેક્યુલારિઝમના નામે ફીફાં ખાંડતા રહી બુદ્ધિજીવી હોવાનો મનોમન હરખ અનુભવતા લોકોનો તો આજકાલ રાફડો ફાડ્યો છે. સેક્યુલારિઝમ નામનો વાયરસ સૌ પહેલાં ભારતના પત્રકારોને લાગ્યો અને પછી સમાચાર માધ્યમો મારફત તેનો ચેપ આજે આમ આદમી સુધી ફેલાયો છે. પરિણામે ભાજપના બેનર હેઠળ એકાદ હિન્દુ નેતા ક્યારેક હિન્દુતરફી એકાદ-બે વાક્યો ઉચ્ચારે, એટલે તેનાં બે સ્વાભાવિક રિએક્શનો આવે છે--(૧) પ્રો-હિન્દુ વલણ દાખવવા બદલ મીડિયા તે નેતાને લઇ પડે છે અને પછી દિવસો સુધી કેડો મૂકતું નથી. (૨) સેક્યુલારિઝમથી પીડિત પ્રજા (પોતે હિન્દુ હોવા છતાં) તે નેતાની ઝાટકણી કાઢવામાં પોતાનું ‘બુદ્ધિધન’ ખર્ચવા બેસી જાય છે.
ટૂંકમાં, હિન્દુ હોવું અને હિન્દુ હોવાની વાત છેડવી તે આપણા દેશમાં અપરાધની સમીપ છે. ‘હિન્દુવાદી’નું વણમાગ્યું લેબલ તેને મારી દેવામાં આવે છે. આ લેબલ ત્યાર પછી તેની કાયમી ઓળખાણ બની જાય છે. જુદી રીતે કહો તો ‘એન્ટિ-મુસ્લિમ’ એ તેની કાયમી ઓળખ બને છે. તમે હિન્દુ હોવ એનો મતલબ એવો કદી નથી હોતો કે તમે એન્ટિ-મુસ્લિમ છો--અને છતાં આપણા દેશમાં એ જ પ્રકારનું અર્થઘટન થતું આવ્યું છે. પરિણામે સરેરાશ હિન્દુને પોતે હિન્દુ હોવાની પિછાણ આપવાનો ડર પેસી ગયો છે.
આ ડરને મીડિયાએ તથા કહેવાતા બુદ્ધિજીવી સેક્યુલારિસ્ટોએ વટાવી ખાધો છે અને આજના સરેરાશ હિન્દુને આવતી કાલનો સેક્યુલારિસ્ટ બનાવવા તેઓ મચી પડ્યા છે. ‘હું હિન્દુ છું’ એવું કહેનાર હિન્દુ સામે કાયદાકીય પગલાં લેતી કાનૂની કલમ તેમણે સંસદમાં ઘડાવી નાખી નથી એટલી ગનીમત માનો. બાકી તો લોકશાહીના ભારત દેશમાં એક હિન્દુ તરીકે તમે જીવતા હો તો અફઝલને ફાંસીએ લટકાવવામાં થતા વિલંબ સામે, અવારનવાર થતા બોમ્બ ધડાકાઓ સામે, મુંબઇમાં નિર્દોષોને રહેંસી નાખનાર કસબને જેલમાં મળતા બાદશાહી ઠાઠ સામે, રઘુનાથ તેમજ અક્ષરધામ જેવાં મંદિરો પર થતા આતંકવાદી હુમલાઓ સામે, આતંકવાદ સામે સરકારનાં ઢીલાપોચાં વલણ સામે, ૧૯૮૪ના એન્ટિશીખ હત્યાકાંડના ભોરિંગને ન છંછેડતા મીડિયા સામે અવાજ ઉઠાવવાનો લોકશાહીની રૂએ તમને અધિકાર છે. પણ ક્યાંક ભૂલમાં ‘હું હિન્દુ છું...’ એમ કહેવાની ચેષ્ઠા ન કરશો, કેમ કે આવતી કાલના સેક્યુલારિસ્ટ ભારતમાં એ ગુનો ઠરશે!
No comments:
Post a Comment