વિજ્ઞાન અને ટેક્નોલોજિના આધુનિક યુગમાં પુરાણી છતાં ક્રાંતિકારી વૈજ્ઞાનિક શોધોની એક પછી એક મરણનોંધ લખાતી જાય છે. આવી જ એક શોધ ટેલિગ્રાફની છે, જેને ભારતે આજે (જુલાઇ ૧૩, ૨૦૧૩ના રોજ) હંમેશ માટે તિલાંજલી આપી દીધી. ટેલિગ્રાફ વિશે આજની પેઢી બહુ વાકેફ ન હોય તે બનવાજોગ છે, કેમ કે મોબાઇલ ફોનના અને ઇન્ટરનેટના ઝડપી યુગમાં તે જીવે છે.
બીજી તરફ, જૂની પેઢીના અનેક લોકો એવા છે કે જેમને પોતાના જીવનમાં ટેલિગ્રાફ કરવાનો તથા મેળવવાનો એક કરતાં વધુ વખત મોકો મળ્યો. આવા ‘જૂના જમાના’ના કેટલાક લોકો આજે અમદાવાદની ભદ્ર ખાતેની તાર-ટપાલ કચેરીએ જોવા મળ્યા. ભારતમાંથી ટેલિગ્રાફ સેવા વિદાય પામે તે પહેલાં પોતાનાં સગાં-મિત્રોને અંતિમ ટેલિગ્રામ પાઠવવા તેઓ આવ્યા હતા. ટેલિગ્રાફના ભૂલાયેલા યુગની ભવિષ્યમાં યાદગીરી રહે એ ખાતર બે ટેલિગ્રાફ મેં પણ મોકલ્યા--એક ‘સફારી’ના તંત્રી નગેન્દ્ર વિજયને અને બીજો મને ખુદને !
ભદ્રની ટેલિગ્રાફ ઓફિસ, જેને ટેલિગ્રામની સેવાની વિદાયના અવસરે ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી |
ભદ્રની તાર કચેરીએ ટેલિગ્રામ નોંધનારા બેઉ ક્લાર્ક ભારે ઉત્સાહી હતા. એક તરફ ટેલિગ્રાફની વિદાયનો રંજ તેમના ચહેરા પર દેખાતો હતો, જ્યારે બીજી બાજુ છેલ્લા છેલ્લા ટેલિગ્રામ્સ મોકલવાનું યાદગીરીરૂપી કાર્ય કરતા હોવાનો તેમને સંતોષ હતો. બેઉ ક્લાર્ક સાથે થોડીક ચર્ચા દરમ્યાન જાણવા મળ્યું કે ટેલિગ્રાફ માટેની પરંપરાગત મોર્સ-કી ભદ્રની તાર-ટપાલ કચેરીને વર્ષો થયે ભંગારમાં નાખી દીધી છે. આજે તેનો એકેય નમૂનો યાદગીરી પૂરતોય રહ્યો નથી. મોર્સ-કીનું સ્થાન કમ્પ્યૂટરના કી-બોર્ડે લઇ લીધું છે. ટેલિગ્રાફિક મેસેજ કમ્પ્યૂટરમાં ટાઇપ કરી તેનો પ્રિન્ટ આઉટ લેવામાં આવે છે અને ત્યાર બાદ એ પ્રિન્ટ સંદેશાના પ્રાપ્તકર્તાને મોકલી આપવામાં આવે છે.
ટેલિગ્રામઃ વાયા મોર્સ-કીને બદલે વાયા કમ્પ્યૂટર
|
‘પદ્ધતિ સીધીસાદી છે, છતાં તેને વિગતે સમજવી હોય તો આવતી કાલે રૂબરૂ આવો’. એક ક્લાર્કે મને કહ્યું.
‘પણ આવતી કાલે રવિવાર છે.’ મેં આશ્ચર્યથી પૂછ્યું.
‘હા, પણ અમારું તાર ડિપાર્ટમેન્ટ ચાલુ છે.’ ક્લાર્કે કહ્યું. ‘આજે અમે જે ટેલિગ્રામ્સ નોંધ્યા તેમને આવતી કાલે કમ્પ્યૂટરમાં ટાઇપ કરી પ્રિન્ટ લઇશું, એટલે તમે જે તાર નોંધાવ્યો તે સોમવાર સુધીમાં તમને મળી જશે.’
બે તાર બૂક કરાવ્યાની કુલ ૮૪ રૂપિયાની પાવતી લીધા બાદ જતી વેળાએ મેં એક ક્લાર્કને વિનંતી કરીને જણાવ્યું કે મેં જે અંગ્રેજી સંદેશો લખ્યો છે તેમાં છેલ્લું વાક્ય ઓલ્ડ ઇંગ્લિશનું છે, એટલે જરા અજૂગતું જણાય તો પણ તેને જેમનું તેમ જ ટાઇપ કરજો. ક્લાર્કે મારું ફોર્મ હાથમાં લીધું અને મેસેજની છેલ્લી લીટી કડકડાટ વાંચી બતાવી--What hath technology wrought?*
*નોંધ: ટેલિગ્રાફના શોધક સેમ્યુઅલ મોર્સે પ્રસારિત કરેલો જગતનો સૌ પહેલો ટેલિગ્રાફિક સંદેશો આમ હતો--What hath God wrought? /ભગવાન આ તેં શું કરી નાખ્યું?
No comments:
Post a Comment