Monday, July 15, 2013

ફૂડ સિક્યૂરિ‌ટિ બિલ : ફૂલપ્રૂફ કે ફિતૂર ?


'The Indian National Congress pledges that every family living below the poverty line either in rural or urban areas will be entitled, by law, to 25 kgs of rice or wheat per month at Rs. 3 per kg.'

દેશના ગરીબોને ત્રણ રૂપિયે કિલોના ભાવે અનાજ પૂરું પાડવાનું વચન આપતું ઉપરોક્ત વાક્ય ૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં છાપ્યું હતું. સરકાર ગમે તે પક્ષની હોય, પરંતુ ચૂંટણીપરિણામો બાદ પોતાના ઘોષણાપત્રને અભેરાઇએ ચડાવી દેવાની આગુ સે ચલી આતી પરંપરાને દરેક પક્ષ અનુસરે છે. કોંગ્રેસે થોડા વખત પહેલાં એ પરંપરામાં જરા અપવાદ સર્જ્યો અને ૨૦૦૯માં દેશના ગરીબોને સસ્તા ભાવનું અનાજ પૂરું પાડવાનો જે વાયદો તેણે કર્યો હતો તેના અમલીકરણનો મેગાપ્રોજેક્ટ એકાએક હાથ ધર્યો. ફૂડ સિક્યૂરિટિ બિલના નામે બહુ ચગેલો એ મેગાપ્રોજેક્ટ સંસદમાં ભારે ધાંધલ બાદ આખરે પાસ થઇ ગયો. ધાંધલ મચ્યાનું કારણ એ કે પ્રોજેક્ટ રૂા. ૧,૦૦,૦૦૦ કરોડનો છે. આ ખર્ચાળ મેગાપ્રોજેક્ટ દેશમાં વ્યાપેલો ભયંકર ભૂખમરો દૂર કરવાના ઉમદા આશયથી હાથ ધરાયો હોત તો પ્રજાના પૈસા લેખે લાગત, પણ કોંગ્રેસે ફૂડ સિક્યૂરિટિ બિલના નામે પોલિટિકલ સોગઠી ખેલી હોય તેમ લાગે છે. ભૂખમરો વેઠતી પ્રજાને રાહતદરે અનાજ આપવાનો વાયદો કોંગ્રેસે છેક ૨૦૦૯માં કર્યો હતો અને હવે ત્રણેક વર્ષ પછી એકાએક વાયદાનું પાલન કરવાનું તેને કેમ સૂઝ્યું ? સંભવ છે કે ફૂડ સિક્યૂરિટિ બિલની સોગઠી તેણે દેશના પાંચ રાજ્યોમાં યોજાઇ રહેલી ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીઓમાં તેમજ આગામી (૨૦૧૪ની) લોકસભાની ચૂંટણીમાં કરોડો ગરીબોના મતો કોંગ્રેસી છાબડીમાં ખેરવી લેવા સારુ ખેલી હોય. હકીકત જે હોય તે ખરી, પણ લોજિકના ત્રાજવે ફૂડ સિક્યૂરિટિ બિલને મૂલવો ત્યારે તે ફિતૂર લાગે.


યુનાઇટેડ નેશન્સની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સંસ્થાના લેટેસ્ટ અહેવાલ મુજબ ભારતમાં ૨૩ કરોડ લોકો બે ટંકનું ખાવાનું પામી શકતા નથી. અર્થાત રોજિંદો ભૂખમરો વેઠે છે. અપૂરતા ખોરાકને લીધે કુપોષણનો ભોગ બનેલા લોકો તો આપણા દેશમાં ૪૧ કરોડ છે. પાંચ તેમજ તેથી ઓછી વયના ૪૩ ટકા બાળકોની ગણના અન્ડરવેઇટની કેટેગરીમાં થાય છે. આ ભયંકર સ્થિતિને હળવી કરવાના આશયે ખાદ્ય મંત્રાલય દર વર્ષે ૫.૫ કરોડ મેટ્રિક ટન ઘઉં તથા ચોખા વિવિધ સરકારી ગોદામોમાં ખડકે છે. આ જથ્થો ત્યાર બાદ દેશના જુદા જુદા ગામોનગરોમાં આવેલી ૫,૦૦,૦૦૦ રાશનની દુકાનોમાં પહોંચે છે, જ્યાંથી ઘઉ રૂા.૪.૧૫ પ્રતિકિલોના અને ચોખા રૂા.૫.૬૫ પ્રતિકિલોના રાહતદરે ગરીબોને આપવામાં આવે છે. રાહતદરે અપાતા આવા અનાજનો ખાદ્ય મંત્રાલયે બાંધેલો માસિક ક્વોટા પરિવારદીઠ ૩૫ કિલોનો છે. દર મહિને આથી વધુ રાશન એક પરિવારને અપાતું નથી. 

અલબત્ત, સવાલ એ કે પ્રત્યેક ગરીબ પરિવારને દર મહિને ૩૫ કિલો ઘઉંચોખા મળે છે ખરા ? જવાબમાં નનૈયો ભણવો રહ્યો. વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ ખાદ્ય મંત્રાલયે પૂરા પાડેલા ૫.૫ કરોડ મેટ્રિક ટન ઘઉં તેમજ ચોખા પૈકી લગભગ ૬૦ ટકા જથ્થો ગરીબો સુધી પહોંચતો જ નથી. અધવચ્ચે જ તેનો વેપલો થઇ જાય છે. આ હકીકત છે. ફૂડ સિક્યૂરિટિ બિલ વડે દેશના ગરીબોને બે ટંક ખાવાનું પૂરું પાડવાના ખ્વાબ બતાવતી કોંગ્રેસ સરકાર તેનાથી અજાણ હોય એમ માનવાને કારણ નથી. આમ છતાં અનાજની અત્યંત ભ્રષ્ટ વિતરણ વ્યવસ્થાને કાર્યક્ષમ બનાવવાને બદલે તેણે સરકારી ગોદામોમાં વધુ ઘઉંચોખાનો ખડકલો કરી તેમને કિલોદીઠ અનુક્રમે રૂા.૩ અને રૂા.૨ ના રાહતદરે ગરીબોને આપવાનો પ્લાન ઘડી કાઢ્યો. ફૂડ સિક્યૂરિટિના પ્લાનને અમલમાં મૂકવા માટે સરકારને વધારાના ૬૦ લાખ મેટ્રિક ટન ઘઉં તેમજ ચોખાનો ખપ પડશે, જેમના સંગ્રહ માટે સરકાર પાસે પૂરતાં ગોદામો નથી. નવાં ગોદામોનું ચણતર, ટ્રાન્સપોર્ટ, બજારમાંથી વધુ અનાજની ખરીદી વગેરે દરેક ખર્ચને ગણતરીમાં લો તો ફૂડ સિક્યૂરિટિ બિલ તત્કાલિન રૂા.૩,૦૦,૦૦૦ કરોડનું સાબિત થાય ! આ તોતિંગ ખર્ચ કર્યા પછી (તેમજ વધારાના ૬૦ લાખ મેટ્રિક ટન ઘઉં તથા ચોખા પાછળ દર વર્ષે રૂા.૨૭,૦૦૦ કરોડનો ખર્ચ કર્યા પછી) સરકારી અનાજ હાલના અત્યંત ભ્રષ્ટ વિતરણ નેટવર્ક મારફત ગરીબ પરિવારો સુધી પહોંચશે ખરું ?

કોઇ ગેરન્ટી નથી. ગરીબોને ત્રણ રૂપિયે કિલો ઘઉં અને બે રૂપિયે કિલો ચોખા આપવાનું તરકટ કોંગ્રેસને પોલિટિકલ માઇલેજ અપાવે તેમજ કરદાતાઓના માથે વાર્ષિક રૂા.૨૭,૦૦૦ કરોડનો બોજો ઠોકી બેસાડે એટલું જો કે નક્કી છે. ભ્રષ્ટાચારથી ખદબદતી રાશન વિતરણ સિસ્ટમને સરકાર ન સુધારે ત્યાં સુધી ફૂડ સિક્યૂરિટિ બિલ ફુલપ્રૂફ સાબિત થાય તેમ નથી. પરંતુ ભ્રષ્ટાચારના વિવિધ કૌભાંડોમાં સંડોવાયેલી સરકાર પાસે એવી આશા રાખવી પણ હાલતુરત તો નકામી છે.

No comments:

Post a Comment