Friday, July 5, 2013

ભારતની ભૂગોળ 'નવેસરથી' આંકતાં મહારાષ્‍ટ્રનાં પાઠ્યપુસ્‍તકો


શાન દિશામાં આવેલો ૮૩,૭૪૩ ચોરસ કિલોમીટરનો તેમજ લગભગ ૧૧ લાખની આબાદીવાળો અરુણાચલ પ્રદેશ નામનો ભૌગોલિક ટુકડો છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતનાં સમાચાર માધ્યમોમાં ન્યૂઝ આઇટમ તરીકે વારંવાર ચમકે છે. ન્યૂઝનો વિષય સામાન્ય રીતે એ રાજ્યની સરહદે ચીની લશ્કરની હિલચાલનો તેમજ ઘૂસણખોરીનો હોય, પણ ગયા મહિને અરુણાચલ પ્રદેશનું નામ અલગ મુદ્દે ન્યૂઝ આઇટમ બનીને છાપાઓમાં ચમક્યું.

થયું એવું કે મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્યપુસ્તક મંડળે દસમા ધોરણના ભૂગોળની તેમજ અર્થશાસ્ત્રની નવી, અપડેટેડ ટેક્સ્ટબૂક બહાર પાડી, જેમાં બહુ મોટો છબરડો તેણે વાળ્યો. બેઉ વિષયોના પાઠ્યપુસ્તકમાં ભારતનો એવો ભૌગોલિક નકશો છપાયો કે જેમાં અરુણાચલ પ્રદેશનો નામોલ્લેખ ન હતો. ભારતના નકશામાંથી રાજ્ય બાકાત હતું; પડોશી દેશ ચીનના ભૌગોલિક મેપમાં તેને દર્શાવાયું હતું. આ ભૂલભરેલો નકશો ૧૭ લાખ પાઠ્યપુસ્તકોમાં મુદ્રણ પામ્યો. નવાઇ તો એ કે પુસ્તકોનું છાપકામ હાથ ધરાયું એ પહેલાં તેનાં તમામ પૃષ્ઠોનું ચકાસણીના નામે એકાદ-બે નહિ, પણ છ વખત પ્રૂફ-રીડિંગ થયું હતું. ડિઝાઇનિંગ, પ્રૂફ-રીડિંગ અને પ્રિન્ટિંગ એ ત્રણેય તબક્કે ભૂલના નામે આખેઆખો હાથી નીકળી ગયો અને અડધોઅડધ નકલોનું વિતરણ થઇ ચૂક્યું ત્યાર પછી જ છાપભૂલ તરફ ધ્યાન પડ્યું. મામલો છેવટે Maharashtra board text book leaves Arunachal Pradesh out of India એવા મથાળા સાથે છાપે ચડ્યો ત્યારે મહારાષ્ટ્રનું શિક્ષણખાતું અટેન્શનમાં આવ્યું. ભૂલભરેલા નકશાવાળાં પાઠ્યપુસ્તકોના વિતરણ પર તેણે રોક લગાવી અને કેટલાંક પુસ્તકોને બજારમાંથી પાછાં ખેંચી લીધાં. દરમ્યાન ભારતના ખોટા ભૌગોલિક નકશાવાળાં લાખો પુસ્તકો વિદ્યાર્થીઓના હાથમાં પહોંચી ચૂક્યાં હતાં.


આ છબરડો છાપે ચડ્યા પછી મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળમાં ખળભળાટ મચવો સ્વાભાવિક હતો. ‘આ પ્રકારની ભૂલ કેમ થઇ ?’ અને ‘કોણ તે માટે જવાબદાર ?’ વગેરે જેવા ક્ષુલ્લક પ્રશ્નોના કારણો તેમજ તારણો શોધવામાં અધિકારીઓ વ્યસ્ત બન્યા. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે પાઠ્યપુસ્તક મંડળમાં ભૂગોળના નિષ્ણાતોની કમિટીને ખોરવી નાખી અને ભૂગોળનાં તથા અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં નકશામાં રહી ગયેલી ભૂલમાં સુધારો કર્યા બાદ તેમને ફરી વેચાણમાં મૂકવાની તજવીજો આરંભી. આ આઘાતજનક મામલો થાળે પડ્યો અને રાજ્ય સરકારે માંડ નિરાંતનો દમ લીધો ત્યાં બે દિવસ પછી મહારાષ્ટ્રના શિક્ષણખાતાની લાપરવાહીનો વધુ એક નમૂનો બહાર આવ્યો. આ વખતે ધોરણ ૧૦ના જ ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં ભારતનો રાજકીય નકશો ભૂલભરેલો છપાયેલો હોવાનું મીડિઆની જાણમાં આવ્યું. આ નકશામાં લક્ષદ્વીપ તથા આંદામાન-નિકોબાર ટાપુસમૂહ ગાયબ હતા. આ બન્ને કેંદ્રશાસિત પ્રદેશો ભારતનો રાજકીય તેમજ ભૌગોલિક હિસ્સો ગણાય, એટલે ભારતનો પોલિટિકલ મેપ દર્શાવતી વખતે એમાં તેમને સ્થાન આપવું જ રહ્યું. આમ છતાં મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકે બેઉ ટાપુસમૂહોને બાકાત રાખી છૂટછાટ લીધી. આ તેનો બીજો ગંભીર છબરડો હતો. ખરેખર તો અક્ષમ્ય હતો.

અહીં નોંધવું રહ્યું કે દેશનો ભૂલભરેલો નકશો ચિત્રના યા રેખાંકનના સ્વરૂપે દર્શાવવો, એવા નકશાનું વિતરણ કરવું અગર તો તેને રાખવો એ ભારતના Criminal Law Amendment Act 1961 કાયદાની કલમ હેઠળ ત્રણ વર્ષની સજાપાત્ર ફોજદારી ગુનો છે. આમ, તે કાયદાની રૂએ ભારતના ખોટા ભૌગોલિક નકશાવાળી ટેક્સ્ટબૂક છાપનાર અને તેનું વિતરણ કરનાર મહારાષ્ટ્રનું પાઠ્યપુસ્તક મંડળ તો ઠીક, એ ટેક્સ્ટબૂક વસાવનાર લાખો વિદ્યાર્થીઓ સુદ્ધાં ગુનેગાર ઠરે. 

ઘણાં વર્ષ પહેલાં ઉદ્યોગપતિ નવીન જિંદાલે તેમના કાર્યાલયના મકાન પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે એ ‘ગુના’ બદલ તેમની સામે કેંદ્ર સરકારે કાનૂની પગલાં લીધાં. ભારતનો ભૂલભરેલો નકશો પ્રગટ કરવા બદલ કેંદ્ર સરકારે મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળ સામે હજી કોઇ કાયદાકીય પગલાં કેમ લીધાં નથી ? આખી ચર્ચાનો ટૂંક સાર છેવટે તો એ કે આઝાદીનાં ૬૬ વર્ષ પછીયે આપણે આપણા દેશનો સાચો નકશો દોરી શકતા નથી. ભારતનું પરીક્ષાલક્ષી શિક્ષણનું સ્તર વિદ્યાર્થીઓના માર્ક્સની એટલે કે ગુણની બાબતે ઊંચા શિખરે બિરાજેલું ભલે જણાય, પરંતુ ગુણવત્તાની બાબતે ઊંડી ખાઇમાં જઇ બેઠું છે.

No comments:

Post a Comment