ભારતના અરુણાચલ પ્રદેશને અલાયદા રાજ્યનો દરજ્જો મળ્યાને ગઇ ફેબ્રુઆરી ૨૦ ના રોજ ૨૫ વર્ષ પૂરાં થયાં. પ્રસંગ સિલ્વર જૂબિલિનો હતો, જેની ઉજવણીના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે આપણા સંરક્ષણમંત્રીને તેડાવ્યા. દેશના સંરક્ષણમંત્રી પોતાના જ દેશના એકાદ રાજ્યની મુલાકાત લે એ બાબત આમ તો સામાન્ય ગણાય, પરંતુ ચીનને એ બાબત સામાન્ય ન લાગી. અરુણાચલ પ્રદેશમાં આપણા સંરક્ષણમંત્રીની હાજરી તેને કઠી--અને તે પણ એટલી હદે કે ચીનના વિદેશમંત્રીએ તીખા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી એવા મતલબનું નિવેદન આપ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભારતીય શાસકોનું આવવું બેય દેશો વચ્ચેના શાંતિસંબંધોને જોખમમાં મૂકી શકે છે.
ચીનના વિદેશમંત્રીએ પોતાનો વિરોધ કર્યો કે પછી ભારતને ઠાવકી ભાષામાં ધમકી આપી એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ એક વાત નક્કી છે : અરુણાચલ પ્રદેશને રાજકીય તેમજ ભૌગોલિક રીતે પોતાનો ભાગ ગણતી બિજિંગ સરકાર એ સ્થળે ભારતીય આગેવાનોની હાજરી સાંખી લેવા માગતી નથી. ચારેક વર્ષ પહેલાં વડા પ્રધાન મનમોહન સિંહે જ્યારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી ત્યારે પણ બિજિંગ સરકારના પેટમાં તેલ રેડાયું હતું અને ડિપ્લોમેટિક ભાષામાં તેણે પોતાનો વિરોધ જતાવ્યો હતો.
જાણીતી વાત છે કે ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યને ચીન વર્ષો થયે પોતાની માલિકીનું ગણતું આવ્યું છે. આશરે ૮૩,૭૦૦ ચોરસ કિલોમીટરના એ રાજ્યની સરહદમાં એટલે જ ચીની લશ્કર વારેતહેવારે નાનાંમોટાં છમકલાં કરતું રહે છે. ક્યારેક તે સરહદ ઓળંગીને અરુણાચલ પ્રદેશમાં ઘૂસી આવે છે, તો ક્યારેક સરહદી ગામોમાં લોકોને રાયફલની નોક પર ડરાવે-ધમકાવે છે. અરુણાચલ પ્રદેશચીન સરહદે ભારતીય લશ્કરે સ્થાપેલાં (અને શિયાળામાં રેઢાં પડેલાં) બન્કરોમાં ચીનના સૈનિકોએ તોડફોડ કર્યાના કિસ્સાઓ તો અનેક છે. એક અજાણ્યો કિસ્સો ૧૯૮૬ની સાલમાં બન્યો, કે જેના નતીજારૂપે ભારતે ૨૮ ચોરસ કિલોમીટરનો ભૌગોલિક પ્રદેશ હંમેશ માટે ગુમાવી દેવો પડ્યો.
બન્યું એવું કે ૧૯૮૬માં ભારતે અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપ્યો ત્યારે એ વિશાળ ભૌગોલિક પ્રદેશ પર પોતાનો હક્કદાવો જતાવ્યા કરતી બિજિંગ સરકાર વિફરી. અરુણાચલ પ્રદેશના તવાંગની ઉત્તર-પૂર્વે તેણે પોતાના લશ્કરને સરહદ રેખા ઓળંગી ભારતમાં દાખલ કરાવ્યું. આકરો શિયાળો ત્યારે ચાલી રહ્યો હતો, એટલે કેટલાક સરહદી વિસ્તારોમાં સ્થિત ભારતીય જવાનો પોતાની ચોકીઓ છોડી હેઠવાસમાં આવી ગયા હતા. ચીની સૈનિકોએ તેનો ફાયદો ઉઠાવી સુમદોરોંગ ચૂ કહેવાતા એરિઆમાં આવેલો વાંગડુંગ નામનો ભારતીય પ્રદેશ પોતાની એડી નીચે દાબ્યો.
કઠોર શિયાળો પૂરો થતાં ભારતીય જવાનો પોતપોતાની ચોકીઓ તરફ રવાના થયા ત્યારે વાંગડુંગ ખાતે ૧૨મી આસામ રેજિમેન્ટને જે દ્રશ્ય જોવા મળ્યું તે ચોંકાવનારું હતું. ભારતીય બન્કરો પર ચીની સૈન્યએ કબજો જમાવી લીધો હતો એટલું જ નહિ, ત્યાં બીજાં કેટલાંક પાકાં બન્કરોનું તેમજ ચેકપોસ્ટ્સનું બાંધકામ ચાલી રહ્યું હતું. ૧૨મી આસામ રેજિમેન્ટના કમાન્ડિંગ અફસરે જોયું કે ચીનના સૈનિકોની સંખ્યા કમ સે કમ ૨૦૦ જેટલી હતી, એટલે પોતાની ટુકડી સાથે તેઓ મુખ્ય છાવણીએ પરત ફર્યા.
ભારતીય પ્રદેશ પર ચીન પગદંડો જમાવીને બેસી ગયું તેના જવાબમાં આપણે શું કર્યું ? શરૂઆતમાં સરહદી વિસ્તારોમાં લશ્કરી જમાવટ કરીને થોડુંક બળપ્રદર્શન અને પછી (રાબેતા મુજબ) રાજકીય વાટાઘાટો ! બેયમાંથી એકેય પગલું જો કે કશું પરિણામ આણી ન શક્યું. વાંગડુંગનો ૨૮ ચોરસ કિલોમીટરનો પ્રદેશ આપણે કાયમ માટે ભૂલી જવો પડ્યો. ૧૯૮૬માં અરુણાચલ પ્રદેશ ખાતે ફરજ બજાવનાર ખુશ્કીદળના એક સીનિઅર અફસરના કહેવા મુજબ સરહદભંગના આરોપસર વાંગડુંગ ખાતેના ચીની સૈન્યને ભારતે આસાનીથી ઉખાડી ફેંક્યું હોત, પણ દિલ્હી સરકારે શાંતિમંત્રણાનું વલણ અપનાવ્યું.
ભારતે વાંગડુંગ ગુમાવ્યાને આજે પચ્ચીસ વર્ષ થયાં, છતાં દુશ્મન સામે શાંતિપાઠ જપ્યા કરવાની દિલ્હી સરકારની નીતિમાં કશો ફેરફાર આવ્યો નથી. આનો તાજો દાખલો એ કે અરુણાચલ પ્રદેશમાં આપણા સંરક્ષણમંત્રીની મુલાકાત સામે ચીને વિરોધ ઊઠાવી ભારતને દમ માર્યો તેના પ્રત્યુત્તરમાં દિલ્હી સરકારે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. વારંવાર સીમા ઉલ્લંઘન કરીને ઘૂસી આવતા ચીની લશ્કર સામે કડક હાથે કાર્યવાહી કરવાની વાત તો બહુ દૂરની છે.
No comments:
Post a Comment