Saturday, July 13, 2013

વાંગડુંગ : ૨૫ વર્ષથી ચીનની એડી નીચે દબાયેલો ભારતીય પ્રદેશ


ભારતના અરુણાચલ પ્રદેશને અલાયદા રાજ્યનો દરજ્જો મળ્યાને ગઇ ફેબ્રુઆરી ૨૦ ના રોજ ૨૫ વર્ષ પૂરાં થયાં. પ્રસંગ સિલ્વર જૂબિલિનો હતો, જેની ઉજવણીના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે આપણા સંરક્ષણમંત્રીને તેડાવ્યા. દેશના સંરક્ષણમંત્રી પોતાના જ દેશના એકાદ રાજ્યની મુલાકાત લે એ બાબત આમ તો સામાન્ય ગણાય, પરંતુ ચીનને એ બાબત સામાન્ય ન લાગી. અરુણાચલ પ્રદેશમાં આપણા સંરક્ષણમંત્રીની હાજરી તેને કઠી--અને તે પણ એટલી હદે કે ચીનના વિદેશમંત્રીએ તીખા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી એવા મતલબનું નિવેદન આપ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભારતીય શાસકોનું આવવું બેય દેશો વચ્ચેના શાંતિસંબંધોને જોખમમાં મૂકી શકે છે. 
ચીનના વિદેશમંત્રીએ પોતાનો વિરોધ કર્યો કે પછી ભારતને ઠાવકી ભાષામાં ધમકી આપી એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ એક વાત નક્કી છે : અરુણાચલ પ્રદેશને રાજકીય તેમજ ભૌગોલિક રીતે પોતાનો ભાગ ગણતી બિજિંગ સરકાર એ સ્થળે ભારતીય આગેવાનોની હાજરી સાંખી લેવા માગતી નથી. ચારેક વર્ષ પહેલાં વડા પ્રધાન મનમોહન સિંહે જ્યારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી ત્યારે પણ બિજિંગ સરકારના પેટમાં તેલ રેડાયું હતું અને ડિપ્લોમેટિક ભાષામાં તેણે પોતાનો વિરોધ જતાવ્યો હતો. 

જાણીતી વાત છે કે ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યને ચીન વર્ષો થયે પોતાની માલિકીનું ગણતું આવ્યું છે. આશરે ૮૩,૭૦૦ ચોરસ કિલોમીટરના એ રાજ્યની સરહદમાં એટલે જ ચીની લશ્કર વારેતહેવારે નાનાંમોટાં છમકલાં કરતું રહે છે. ક્યારેક તે સરહદ ઓળંગીને અરુણાચલ પ્રદેશમાં ઘૂસી આવે છે, તો ક્યારેક સરહદી ગામોમાં લોકોને રાયફલની નોક પર ડરાવે-ધમકાવે છે. અરુણાચલ પ્રદેશચીન સરહદે ભારતીય લશ્કરે સ્થાપેલાં (અને શિયાળામાં રેઢાં પડેલાં) બન્કરોમાં ચીનના સૈનિકોએ તોડફોડ કર્યાના કિસ્સાઓ તો અનેક છે.   એક અજાણ્યો કિસ્સો ૧૯૮૬ની સાલમાં બન્યો, કે જેના નતીજારૂપે ભારતે ૨૮ ચોરસ કિલોમીટરનો ભૌગોલિક પ્રદેશ હંમેશ માટે ગુમાવી દેવો પડ્યો. 
બન્યું એવું કે ૧૯૮૬માં ભારતે અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપ્યો ત્યારે એ વિશાળ ભૌગોલિક પ્રદેશ પર પોતાનો હક્કદાવો જતાવ્યા કરતી બિજિંગ સરકાર વિફરી. અરુણાચલ પ્રદેશના તવાંગની ઉત્તર-પૂર્વે તેણે પોતાના લશ્કરને સરહદ રેખા ઓળંગી ભારતમાં દાખલ કરાવ્યું. આકરો શિયાળો ત્યારે ચાલી રહ્યો હતો, એટલે કેટલાક સરહદી વિસ્તારોમાં સ્થિત ભારતીય જવાનો પોતાની ચોકીઓ છોડી હેઠવાસમાં આવી ગયા હતા. ચીની સૈનિકોએ તેનો ફાયદો ઉઠાવી સુમદોરોંગ ચૂ કહેવાતા એરિઆમાં આવેલો વાંગડુંગ નામનો ભારતીય પ્રદેશ પોતાની એડી નીચે દાબ્યો. 

કઠોર શિયાળો પૂરો થતાં ભારતીય જવાનો પોતપોતાની ચોકીઓ તરફ રવાના થયા ત્યારે વાંગડુંગ ખાતે ૧૨મી આસામ રેજિમેન્ટને જે દ્રશ્ય જોવા મળ્યું તે ચોંકાવનારું હતું. ભારતીય બન્કરો પર ચીની સૈન્યએ કબજો જમાવી લીધો હતો એટલું જ નહિ, ત્યાં બીજાં કેટલાંક પાકાં બન્કરોનું તેમજ ચેકપોસ્ટ્સનું બાંધકામ ચાલી રહ્યું હતું. ૧૨મી આસામ રેજિમેન્ટના કમાન્ડિંગ અફસરે જોયું કે ચીનના સૈનિકોની સંખ્યા કમ સે કમ ૨૦૦ જેટલી હતી, એટલે પોતાની ટુકડી સાથે તેઓ મુખ્ય છાવણીએ પરત ફર્યા. 
ભારતીય પ્રદેશ પર ચીન પગદંડો જમાવીને બેસી ગયું તેના જવાબમાં આપણે શું કર્યું ?  શરૂઆતમાં સરહદી વિસ્તારોમાં લશ્કરી જમાવટ કરીને થોડુંક બળપ્રદર્શન અને પછી (રાબેતા મુજબ) રાજકીય વાટાઘાટો ! બેયમાંથી એકેય પગલું જો કે કશું પરિણામ આણી ન શક્યું. વાંગડુંગનો ૨૮ ચોરસ કિલોમીટરનો પ્રદેશ આપણે કાયમ માટે ભૂલી જવો પડ્યો. ૧૯૮૬માં અરુણાચલ પ્રદેશ ખાતે ફરજ બજાવનાર ખુશ્કીદળના એક સીનિઅર અફસરના કહેવા મુજબ સરહદભંગના આરોપસર વાંગડુંગ ખાતેના ચીની સૈન્યને ભારતે આસાનીથી ઉખાડી ફેંક્યું હોત, પણ દિલ્હી સરકારે શાંતિમંત્રણાનું વલણ અપનાવ્યું. 
ભારતે વાંગડુંગ ગુમાવ્યાને આજે પચ્ચીસ વર્ષ થયાં, છતાં દુશ્મન સામે શાંતિપાઠ જપ્યા કરવાની દિલ્હી સરકારની નીતિમાં કશો ફેરફાર આવ્યો નથી. આનો તાજો દાખલો એ કે અરુણાચલ પ્રદેશમાં આપણા સંરક્ષણમંત્રીની મુલાકાત સામે ચીને વિરોધ ઊઠાવી ભારતને દમ માર્યો તેના પ્રત્યુત્તરમાં દિલ્હી સરકારે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. વારંવાર સીમા ઉલ્લંઘન કરીને ઘૂસી આવતા ચીની લશ્કર સામે કડક હાથે કાર્યવાહી કરવાની વાત તો બહુ દૂરની છે.

ભારતમાં ટેલિગ્રાફ સેવાનું ૧૬૩ વર્ષે ગૂડબાય!



વિજ્ઞાન અને ટેક્નોલોજિના આધુનિક યુગમાં પુરાણી છતાં ક્રાંતિકારી વૈજ્ઞાનિક શોધોની એક પછી એક મરણનોંધ  લખાતી જાય છે. આવી જ એક શોધ ટેલિગ્રાફની છે, જેને ભારતે આજે (જુલાઇ ૧૩, ૨૦૧૩ના રોજ) હંમેશ માટે તિલાંજલી આપી દીધી. ટેલિગ્રાફ વિશે આજની પેઢી બહુ વાકેફ ન હોય તે બનવાજોગ છે, કેમ કે મોબાઇલ ફોનના અને ઇન્ટરનેટના ઝડપી યુગમાં તે જીવે છે. 

બીજી તરફ, જૂની પેઢીના અનેક લોકો એવા છે કે જેમને પોતાના જીવનમાં ટેલિગ્રાફ કરવાનો તથા મેળવવાનો એક કરતાં વધુ વખત મોકો મળ્યો. આવા ‘જૂના જમાના’ના કેટલાક લોકો આજે અમદાવાદની ભદ્ર ખાતેની તાર-ટપાલ કચેરીએ જોવા મળ્યા. ભારતમાંથી ટેલિગ્રાફ સેવા વિદાય પામે તે પહેલાં પોતાનાં સગાં-મિત્રોને અંતિમ ટેલિગ્રામ પાઠવવા તેઓ આવ્યા હતા. ટેલિગ્રાફના ભૂલાયેલા યુગની ભવિષ્યમાં યાદગીરી રહે એ ખાતર બે ટેલિગ્રાફ મેં પણ મોકલ્યા--એક ‘સફારી’ના તંત્રી નગેન્દ્ર વિજયને અને બીજો મને ખુદને !
ભદ્રની ટે‌‌લિગ્રાફ ઓફિસ, જેને ટે‌લિગ્રામની ‌સેવાની વિદાયના અવસરે ફૂલોથી સુશો‌ભિત કરવામાં આવી હતી

ભદ્રની તાર કચેરીએ ટેલિગ્રામ નોંધનારા બેઉ ક્લાર્ક ભારે ઉત્સાહી હતા. એક તરફ ટેલિગ્રાફની વિદાયનો રંજ તેમના ચહેરા પર દેખાતો હતો, જ્યારે બીજી બાજુ છેલ્લા છેલ્લા ટેલિગ્રામ્સ મોકલવાનું યાદગીરીરૂપી કાર્ય કરતા હોવાનો તેમને સંતોષ હતો. બેઉ ક્લાર્ક સાથે થોડીક ચર્ચા દરમ્યાન જાણવા મળ્યું કે ટેલિગ્રાફ માટેની પરંપરાગત મોર્સ-કી ભદ્રની તાર-ટપાલ કચેરીને વર્ષો થયે ભંગારમાં નાખી દીધી છે. આજે તેનો એકેય નમૂનો યાદગીરી પૂરતોય રહ્યો નથી. મોર્સ-કીનું સ્થાન કમ્પ્યૂટરના કી-બોર્ડે લઇ લીધું છે. ટેલિગ્રાફિક મેસેજ કમ્પ્યૂટરમાં ટાઇપ કરી તેનો પ્રિન્ટ આઉટ લેવામાં આવે છે અને ત્યાર બાદ એ પ્રિન્ટ સંદેશાના પ્રાપ્તકર્તાને મોકલી આપવામાં આવે છે.

ટેલિગ્રામઃ વાયા મોર્સ-કીને બદલે વાયા કમ્પ્યૂટર
‘પદ્ધતિ સીધીસાદી છે, છતાં તેને વિગતે સમજવી હોય તો આવતી કાલે રૂબરૂ આવો’. એક ક્લાર્કે મને કહ્યું.
‘પણ આવતી કાલે રવિવાર છે.’ મેં આશ્ચર્યથી પૂછ્યું.
‘હા, પણ અમારું તાર ડિપાર્ટમેન્ટ ચાલુ છે.’ ક્લાર્કે કહ્યું. ‘આજે અમે જે ટેલિગ્રામ્સ નોંધ્યા તેમને આવતી કાલે કમ્પ્યૂટરમાં ટાઇપ કરી પ્રિન્ટ લઇશું, એટલે તમે જે તાર નોંધાવ્યો તે સોમવાર સુધીમાં તમને મળી જશે.’

બે તાર બૂક કરાવ્યાની કુલ ૮૪ રૂપિયાની પાવતી લીધા બાદ જતી વેળાએ મેં એક ક્લાર્કને વિનંતી કરીને જણાવ્યું કે મેં જે અંગ્રેજી સંદેશો લખ્યો છે તેમાં છેલ્લું વાક્ય ઓલ્ડ ઇંગ્લિશનું છે, એટલે જરા અજૂગતું જણાય તો પણ તેને જેમનું તેમ જ ટાઇપ કરજો. ક્લાર્કે મારું ફોર્મ હાથમાં લીધું અને મેસેજની છેલ્લી લીટી કડકડાટ વાંચી બતાવી--What hath technology wrought?*


*નોંધ: ટેલિગ્રાફના શોધક સેમ્યુઅલ મોર્સે પ્રસારિત કરેલો જગતનો સૌ પહેલો ટેલિગ્રાફિક સંદેશો આમ હતો--What hath God wrought? /ભગવાન આ તેં શું કરી નાખ્યું?

Friday, July 12, 2013

ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું (ભારતે અપનાવવા જેવું) સ્વિસ મોડલ


ત્તરાખંડમાં ગયે મહિને જે વિનાશકારી હોનારાત સર્જાઇ તે અભૂતપૂર્વ હતી તેમ હોનારત બાદ ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવેલી બચાવ તથા રાહત કામગીરી પણ અભૂતપૂર્વ કહી શકાય તેવી હતી. બીજી તરફ એ પણ ખરું કે ઉત્તરાખંડમાં નદીઓ ગાંડીતૂર થયાનો તાજેતરમાં બનેલો પ્રસંગ પહેલી વારનો નથી. અગાઉ ઘણી વખત એ રાજ્યએ ઘોડાપૂર જોયાં છે અને દર વખતે જાન-માલનું વધુઓછા અંશે નુકસાન વેઠ્યું છે.

એક સવાલ સહજ રીતે મનમાં થવો રહ્યો કે ગંગા, યમુના, અલકનંદા, કાલિ, પિંડર, સરયુ, મંદાકિની વગેરે જેવી નદીઓ ધરાવતું ઉત્તરાખંડ રાજ્ય અવારનવાર જે તે નદીઓના દુર્વાસા મિજાજનો ભોગ બને છે તો પછી સરકારે ત્યાં ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટકોરાબંધ સુવિધા હજી કેમ રચી નથી ? માણસોના તેમજ માલસામાનના પરિવહન માટે રેલવેનું તેમજ રસ્તાનું ગીચ નેટવર્ક કેમ સ્થાપ્યું નથી ? તેમજ અગાઉ જ્યાં વારંવાર પૂર આવ્યાં હોય તેવા વિસ્તારો નજીક હેલિપેડ કેમ બનાવ્યાં નથી ? આ બધી પ્રાથમિક જરૂરિયાતો છે, જેમના થકી પૂર વખતે જાન-માલનું ગંભીર નુકસાન થતું અટકાવી શકાય છે. આમ છતાં ઉત્તરાખંડમાં આવી સગવડો ઊભી કરવામાં આવી નથી. આ અંગેની સૂઝ બોગદાદષ્ટિ ધરાવતા સરકારી તંત્રને ન હોય તો કમ સે કમ તેણે સ્વિટ્ઝરલેન્ડનું ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોડલ અપનાવી લેવું જોઇએ.
ભૌગોલિક વિસ્તારની રીતે જોતાં આપણા ઉત્તરાખંડ રાજ્યનું કદ સ્વિટ્ઝરલેન્ડથી જરાક જ મોટું છે. ભૂપૃષ્ઠના દષ્ટિકોણે જુઓ તો ૧ કરોડની આબાદી ધરાવતું ઉત્તરાખંડ હિમાલયના પહાડો વચ્ચે વસેલું છે, જ્યારે ૮૦ લાખની વસ્તીવાળું સ્વિટ્ઝરલેન્ડ હિમાચ્છાદિત આલ્પ્સ પર્વતમાળાની ગોદમાં વસ્યું છે. વધુ એક સામ્ય એ કે સ્વિટ્ઝરલેન્ડમાં દર ચોરસ કિલોમીટરે ૧૯૦ જણા વસે છે, તો ઉત્તરાખંડમાં તે આંકડો ૧૮૯ લોકોનો છે. ઉત્તરાખંડની માફક સ્વિટ્ઝરલેન્ડમાં પણ સંખ્યાબંધ નદીઓ, હિમસરિતાઓ, સરોવરો તેમજ જળાશયો છે. પૂરનો સામનો કરવાનું એ દેશના પણ ટીલે લખાયું છે. પરિણામે જાન-માલનું વ્યાપક નુકસાન ટાળવા એ દેશે કેટલાંક આગોતરાં પગલાં લીધાં છે, જે આપણે લીધાં નથી. દા.ત. પૂર વખતે નદીઓમાં પાણી જલદી વહી જાય એ માટે સ્વિટ્ઝરલેન્ડે More room for rivers પોલિસી અપનાવી છે, જેના અન્વયે નદીઓના બેઉ તટની આસપાસ રહેણાંક મકાનો કે પછી અન્ય કોઇ પણ જાતનું બાંધકામ કરવાનો સરકારી મનાઇહુકમ  છે. આપણે ત્યાં આવું કોઇ ધોરણ નથી. પરિણામે ગયે મહિને બન્યું તેમ નદીઓ ગાંડીતૂર થાય ત્યારે સૌ પહેલાં કાંઠાવર્તી મકાનોનું તેમજ લોકોનું આવી બને છે. FYI : ઉત્તરાખંડની હોનારતનાં બે અઠવાડિયાં પહેલાં સ્વિટ્ઝરલેન્ડમાં પ્રચંડ પૂર આવ્યાં હતાં. જાનહાનિઃ ઝીરો !

બીજો દાખલોઃ પૂર વખતે હવાઇમાર્ગે તાત્કાલિક ધોરણે બચાવકાર્ય હાથ ધરી શકાય એ ખાતર સ્વિટ્ઝરલેન્ડે સમગ્ર દેશમાં બધું મળી ૧૧૦ હેલિપેડ તેમજ ૫૬ નાનાં એરપોર્ટ સ્થાપ્યાં છે. ઉત્તરાખંડની વાત કરો તો સમગ્ર રાજ્યમાં ગણીને બે એરપોર્ટ છે અને હેલિપેડ તો છે જ નહિ! પરિણામે ઘટનાસ્થળેથી લોકોને એર-લિફ્ટ કરવા ગયેલા વાયુસેનાના હેલિકોપ્ટરોએ લાંબી ખેપ કરવાનો વખત આવ્યો--અને એવી દરેક ખેપમાં સમયનો સારો એવો બગાડ થયો.

ત્રીજું ઉદાહરણઃ પૂરગ્રસ્ત સ્થળની નજીકમાં રેલવે સુવિધા હોય તો સંખ્યાબંધ માણસોનું ઝડપી વહન થઇ શકે અને માલસામાનનો પુરવઠો પણ રેલવે મારફત ઘટનાસ્થળે વેળાસર પહોંચાડી શકાય એ મુદ્દો સ્વિટ્ઝરલેન્ડની સરકાર ધ્યાન પર લેવાનું ચૂકી નથી. પરિણામે અત્યંત દુર્ગમ પહાડોમાંય તેણે રેલવેના પાટા બિછાવ્યા છે. દા.ત. યોંગફ્રાઉ નામના ૧૧,૩૩૨ ફીટ ઊંચા શિખરે જતી રેલવે લાઇન સ્વિટ્ઝરલેન્ડે સતત ૧૬ વર્ષની જહેમત બાદ નાખી છે. સમગ્ર દેશમાં તેણે રેલવેનું ૫,૦૬૩ કિલોમીટર લાંબુ નેટવર્ક રચ્યું છે, જ્યારે ઉત્તરાખંડમાં રેલવેના પાટા ફક્ત ૩૪૫ કિલોમીટર લાંબા છે. આશરે ૧૧,૫૦૦ ફીટની ઊંચાઇએ આવેલા કેદારનાથ સુધી પહોંચવા માટે રેલવે તો ઠીક, પાકા રસ્તા પણ ઉત્તરાખંડની સરકારે આજ દિન સુધી બનાવ્યા નથી.

સ્વિટ્ઝરલેન્ડ સાથે ભૌગોલિક તેમજ ભૂપૃષ્ઠીય સામ્યતા જોતાં ઉત્તરાખંડે ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્વિસ મોડલને અનુસરવું જોઇએ. આમ કરવામાં જંગી ખર્ચ થાય, પણ તે લેખે લાગે એમાં શંકા નહિ. વળી વિવિધ રાજકીય કૌભાંડોમાં દેશની જનતાના અબજો રૂપિયા હોમાતા હોય ત્યારે જનતાના લાભાર્થે કરાતો ખર્ચ દેશને ભારે ન પડવો જોઇએ.

Line Of Control: ભારતે જ્યારે કુહાડા પર પગ માર્યો!


અડધો ડઝન પડોશી દેશોને સ્પર્શતી ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ કુલ ૧૫,૧૨૦ કિલોમીટર લાંબી છે--અને ભારતની પ્રજાના દુર્ભાગ્યે છ પૈકી એક પણ સરહદ એવી નથી કે જ્યાં પડોશી રાષ્ટ્ર દ્વારા એક યા બીજી રીતે કનડગત થતી ન હોય. 
  • કુલ ૪,૦૯૬ કિલોમીટર લાંબી ભારત-બાંગલા દેશ સીમા પૂર્વીય રાજ્યો માટે વર્ષો થયે સિરદર્દ બની છેકેમ કે તે સરહદ મારફત વર્ષેદહાડે લાખો બાંગલાદેશી લોકોનાં ધાડાં ગેરકાનૂની રીતે ઘૂસણખોરી કરી રહ્યાં છે.
  • ભારત-ચીનની ૩,૪૮૮ કિલોમીટર સુધી ફેલાતી સરહદરેખા પર ચીનની વધતી જતી લશ્કરી હિલચાલ જોતાં નજીકના ભવિષ્યમાં તે સરહદ યુદ્ધભૂમિ બને તો કહેવાય નહિ. અરુણાચલ પ્રદેશસિક્કિમ,હિમાચલ પ્રદેશઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોના માથે ચીની ડ્રેગનનું આક્રમણ તોળાઇ રહ્યું છે.
  • નેપાળ તો ભારત સાથેની ૧,૭૫૧ કિલોમીટર લાંબી સીમારેખાને વર્ષોથી ગેરવાજબી ઠરાવતું આવ્યું છે. સરહદમાં ૬૦ સ્થળોએ તેણે સુધારા સૂચવ્યા છેજેને લઇને અમુક નેપાળી સંગઠનો ભારત સામે ગેરિલા યુદ્ધે ચડ્યા છે. નેપાળી માઓવાદીઓનું બિહારમાં તેમજ ઉત્તર પ્રેદેશમાં ઘૂસી આવી ત્યાં જાનમાલને નુકસાન પહોંચાડવું હવે આમ વાત છે. 
  • ભાગલા વખતે આંકવામાં આવેલી ૩,૩૨૩ કિલોમીટર લાંબી ભારતપાક સીમારેખાની વાત કરો તો તેણે ગુજરાતરાજસ્થાનપંજાબ અને જમ્મુ-કાશ્મીર એમ ચાર રાજ્યોના સરહદી વિસ્તારોને લશ્કરી છાવણીમાં ફેરવી દીધા છે. આ લાંબી સીમારેખાએ અત્યાર સુધી ચાર ભીષણ યુદ્ધો જોયાં છેઅને હજી ત્યાં વખતોવખત છમકલાં થતાં રહે છે. 
પાકિસ્તાન સાથેની સૌથી વધુ તંગ સરહદ હોય તો કાશ્મીરની કે જ્યાં ૭૪૦ કિલોમીટર લાંબી Line Of Control/અંકુશરેખા પસાર થાય છે. પાક પ્રેરિત આતંકવાદે તેને બારમાસી યુદ્ધભૂમિમાં ફેરવી દીધી છે પરિણામે ભારત માટે તે શૂળ સાબિત થઇ છે. ટ્રેજડિ તો એ વાતે છે શૂળનું દરદ ખુદ ભારતે ઊભું કર્યું છે. શી રીતે તે જુઓ-- 

આઝાદી પછી ઓક્ટોબર ૨૪૧૯૪૭ ના રોજ પાકિસ્તાને ભારત પર આક્રમણ કરી જમ્મુ-કાશ્મીરનો પશ્ચિમી તથા ઉત્તરી પ્રદેશ પચાવી પાડ્યો. ભારતીય જવાનો પાક હુમલાખોરોને મારી હટાવવા વીરતાપૂર્વક લડ્યા અને ગુમાવેલો પ્રદેશ ફરી હસ્તગત કરવા લાગ્યા. સમગ્ર રાજ્ય જો કે મુક્ત થાય એ પહેલાં જવાહરલાલ નેહરુએ યુનોના ઠરાવ નં. ૧૩ મુજબ જાન્યુઆરી ૧૧૯૪૯ ની મધરાતે અમલી બનતો યુદ્ધવિરામ સ્વીકારી લીધો. આ પગલું અવિચારી હતુંકેમ કે જમ્મુ-કાશ્મીરનો ૩૭% પ્રદેશ હજી પાક કબજામાં હતો અને યુદ્ધવિરામ વળી એવે વખતે જાહેર કરાયો કે જ્યારે પાક હુમલાખોરો પીછેહઠ કરી રહ્યા હતા. આમનેહરુની અક્ષમ્ય ભૂલે Line Of Ceasefire/યુદ્ધવિરામ રેખાને જન્મ આપ્યો. વખત જતાં તે Line Of Control તરીકે ઓળખાવાની હતી.
 ૧૯૪૮માં નક્કી થયેલી યુદ્ધવિરામ રેખા અસ્પષ્ટ હતી. જમ્મુ-કાશ્મીરના નકશામાં તેને સ્પષ્ટ રીતે આંકવા માટે ૧૯૭૧ ના યુદ્ધ પછી ભારતીય અને પાકિસ્તાની સૈન્યના અફસરો રૂબરૂ મળ્યા. ભૂપૃષ્ઠ બતાવતા નકશામાં પર્વતો,નદીનાળાંખીણોહિમસરિતાઓગામડાં વગેરેના સ્થાનનો અક્ષાંશરેખાંશ મુજબ સંદર્ભ પકડી તેમણે Line Of Control/અંકુશરેખા દોરી. જમ્મુકાશ્મીરના ભૂપૃષ્ઠ પર અંકુશરેખા બતાવતા મોટા કદના ૨૭ નકશા બનાવ્યાજેમને યોગ્ય ક્રમમાં જોડ્યા પછી એક સંપૂર્ણ નકશો તૈયાર થતો હતો. પૂર્વમાં સંગમથી પશ્ચિમમાં સિયાચીન પાસે Point NJ-9842 નામના શિખર સુધીની ૭૪૦ કિલોમીટર લાંબી LoC આંકેલા તે નકશાની બે નકલો બની. એક નકલ ભારતે તો બીજી પાકિસ્તાને રાખી. વાસ્તવમાં તો ડિસેમ્બર ૧૭૧૯૭૧ના રોજ ભારત-પાક યુદ્ધ પૂરું થયાના દિવસે બન્ને લશ્કરોના અંકુશ હેઠળનો પ્રદેશ બતાવતી તે રેખા હતીજેનાં ભૌગોલિક પાસાં વ્યૂહાત્મક રીતે ભારત માટે પ્રતિકૂળ હતાં. પુંચતિથવાલઝોજીલાબટાલિકદ્રાસકારગિલ અને સિયાચીન એમ દરેક મહત્ત્વપૂર્ણ પ્રદેશમાં તે શિખરોની ટોચે પસાર થતી હતી. આથી જતે દહાડે પાછું યુદ્ધ થાય તો ખીણના લેવલે રહીને ભારતીય જવાનોને પર્વતીય ટોચ પરના દુશ્મન સૈન્યની ગોલંદાજી સામે લડવાનું ફાવે નહિ. ૧૯૭૧માં ભારત વિજયી બન્યું હોવા છતાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ આપણા જવાનોને માફક આવતી LoC ન અંકાવી. આ ભૂલનાં માઠાં ફળ ભારતે ૧૯૯૯ના કારગિલ યુદ્ધ વખતે ભોગવવાં પડ્યાં. 

ભારતે ભૂતકાળમાં કરેલી ભૂલોને કારણે LoC પરમેનન્ટ પ્રોબ્લેમ બન્યો છેજેનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. રાજકીય ટેબલ પર તેનો ઉકેલ કદી આવવાનો પણ નથી--અને છતાં આપણી સરકાર શાંતિમંત્રણાઓ કર્યે રાખે છે. દરમ્યાન LoC પર પાક સૈનિકો-આતંકવાદીઓ દ્વારા ભારતીય જવાનોની આહૂતિ લેવાઇ રહી છે. કાશ્મીરમાં મેંધાર ખાતેની અંકુશરેખાએ ફરજ બજાવતા ભારતીય ખુશ્કીદળના લાન્સ નાયક હેમરાજ તથા લાન્સ નાયક સુધાકર સિંહની પાક સૈનિકો દ્વારા ગયે મહિને કરાયેલી બર્બરતાભરી હત્યા તેનો તાજો દાખલો છે.

Friday, July 5, 2013

ભારતની ભૂગોળ 'નવેસરથી' આંકતાં મહારાષ્‍ટ્રનાં પાઠ્યપુસ્‍તકો


શાન દિશામાં આવેલો ૮૩,૭૪૩ ચોરસ કિલોમીટરનો તેમજ લગભગ ૧૧ લાખની આબાદીવાળો અરુણાચલ પ્રદેશ નામનો ભૌગોલિક ટુકડો છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતનાં સમાચાર માધ્યમોમાં ન્યૂઝ આઇટમ તરીકે વારંવાર ચમકે છે. ન્યૂઝનો વિષય સામાન્ય રીતે એ રાજ્યની સરહદે ચીની લશ્કરની હિલચાલનો તેમજ ઘૂસણખોરીનો હોય, પણ ગયા મહિને અરુણાચલ પ્રદેશનું નામ અલગ મુદ્દે ન્યૂઝ આઇટમ બનીને છાપાઓમાં ચમક્યું.

થયું એવું કે મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્યપુસ્તક મંડળે દસમા ધોરણના ભૂગોળની તેમજ અર્થશાસ્ત્રની નવી, અપડેટેડ ટેક્સ્ટબૂક બહાર પાડી, જેમાં બહુ મોટો છબરડો તેણે વાળ્યો. બેઉ વિષયોના પાઠ્યપુસ્તકમાં ભારતનો એવો ભૌગોલિક નકશો છપાયો કે જેમાં અરુણાચલ પ્રદેશનો નામોલ્લેખ ન હતો. ભારતના નકશામાંથી રાજ્ય બાકાત હતું; પડોશી દેશ ચીનના ભૌગોલિક મેપમાં તેને દર્શાવાયું હતું. આ ભૂલભરેલો નકશો ૧૭ લાખ પાઠ્યપુસ્તકોમાં મુદ્રણ પામ્યો. નવાઇ તો એ કે પુસ્તકોનું છાપકામ હાથ ધરાયું એ પહેલાં તેનાં તમામ પૃષ્ઠોનું ચકાસણીના નામે એકાદ-બે નહિ, પણ છ વખત પ્રૂફ-રીડિંગ થયું હતું. ડિઝાઇનિંગ, પ્રૂફ-રીડિંગ અને પ્રિન્ટિંગ એ ત્રણેય તબક્કે ભૂલના નામે આખેઆખો હાથી નીકળી ગયો અને અડધોઅડધ નકલોનું વિતરણ થઇ ચૂક્યું ત્યાર પછી જ છાપભૂલ તરફ ધ્યાન પડ્યું. મામલો છેવટે Maharashtra board text book leaves Arunachal Pradesh out of India એવા મથાળા સાથે છાપે ચડ્યો ત્યારે મહારાષ્ટ્રનું શિક્ષણખાતું અટેન્શનમાં આવ્યું. ભૂલભરેલા નકશાવાળાં પાઠ્યપુસ્તકોના વિતરણ પર તેણે રોક લગાવી અને કેટલાંક પુસ્તકોને બજારમાંથી પાછાં ખેંચી લીધાં. દરમ્યાન ભારતના ખોટા ભૌગોલિક નકશાવાળાં લાખો પુસ્તકો વિદ્યાર્થીઓના હાથમાં પહોંચી ચૂક્યાં હતાં.


આ છબરડો છાપે ચડ્યા પછી મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળમાં ખળભળાટ મચવો સ્વાભાવિક હતો. ‘આ પ્રકારની ભૂલ કેમ થઇ ?’ અને ‘કોણ તે માટે જવાબદાર ?’ વગેરે જેવા ક્ષુલ્લક પ્રશ્નોના કારણો તેમજ તારણો શોધવામાં અધિકારીઓ વ્યસ્ત બન્યા. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે પાઠ્યપુસ્તક મંડળમાં ભૂગોળના નિષ્ણાતોની કમિટીને ખોરવી નાખી અને ભૂગોળનાં તથા અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં નકશામાં રહી ગયેલી ભૂલમાં સુધારો કર્યા બાદ તેમને ફરી વેચાણમાં મૂકવાની તજવીજો આરંભી. આ આઘાતજનક મામલો થાળે પડ્યો અને રાજ્ય સરકારે માંડ નિરાંતનો દમ લીધો ત્યાં બે દિવસ પછી મહારાષ્ટ્રના શિક્ષણખાતાની લાપરવાહીનો વધુ એક નમૂનો બહાર આવ્યો. આ વખતે ધોરણ ૧૦ના જ ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં ભારતનો રાજકીય નકશો ભૂલભરેલો છપાયેલો હોવાનું મીડિઆની જાણમાં આવ્યું. આ નકશામાં લક્ષદ્વીપ તથા આંદામાન-નિકોબાર ટાપુસમૂહ ગાયબ હતા. આ બન્ને કેંદ્રશાસિત પ્રદેશો ભારતનો રાજકીય તેમજ ભૌગોલિક હિસ્સો ગણાય, એટલે ભારતનો પોલિટિકલ મેપ દર્શાવતી વખતે એમાં તેમને સ્થાન આપવું જ રહ્યું. આમ છતાં મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકે બેઉ ટાપુસમૂહોને બાકાત રાખી છૂટછાટ લીધી. આ તેનો બીજો ગંભીર છબરડો હતો. ખરેખર તો અક્ષમ્ય હતો.

અહીં નોંધવું રહ્યું કે દેશનો ભૂલભરેલો નકશો ચિત્રના યા રેખાંકનના સ્વરૂપે દર્શાવવો, એવા નકશાનું વિતરણ કરવું અગર તો તેને રાખવો એ ભારતના Criminal Law Amendment Act 1961 કાયદાની કલમ હેઠળ ત્રણ વર્ષની સજાપાત્ર ફોજદારી ગુનો છે. આમ, તે કાયદાની રૂએ ભારતના ખોટા ભૌગોલિક નકશાવાળી ટેક્સ્ટબૂક છાપનાર અને તેનું વિતરણ કરનાર મહારાષ્ટ્રનું પાઠ્યપુસ્તક મંડળ તો ઠીક, એ ટેક્સ્ટબૂક વસાવનાર લાખો વિદ્યાર્થીઓ સુદ્ધાં ગુનેગાર ઠરે. 

ઘણાં વર્ષ પહેલાં ઉદ્યોગપતિ નવીન જિંદાલે તેમના કાર્યાલયના મકાન પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે એ ‘ગુના’ બદલ તેમની સામે કેંદ્ર સરકારે કાનૂની પગલાં લીધાં. ભારતનો ભૂલભરેલો નકશો પ્રગટ કરવા બદલ કેંદ્ર સરકારે મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળ સામે હજી કોઇ કાયદાકીય પગલાં કેમ લીધાં નથી ? આખી ચર્ચાનો ટૂંક સાર છેવટે તો એ કે આઝાદીનાં ૬૬ વર્ષ પછીયે આપણે આપણા દેશનો સાચો નકશો દોરી શકતા નથી. ભારતનું પરીક્ષાલક્ષી શિક્ષણનું સ્તર વિદ્યાર્થીઓના માર્ક્સની એટલે કે ગુણની બાબતે ઊંચા શિખરે બિરાજેલું ભલે જણાય, પરંતુ ગુણવત્તાની બાબતે ઊંડી ખાઇમાં જઇ બેઠું છે.